પશુક્રૂરતા નિવારણ માટે કામ કરતી અને પંથકથી અજાણ એવી યુપી અને ઉત્તરાખંડની બે યુવતીઓએ હિંમતનગરના ઇલોલ અને કનઇમાં પહોંચી બે તબેલામાં દૂધાળા પશુઓને અપાઇ રહેલ પ્રતિબંધિત ઓક્સિટોસિનના ઇન્જેક્શનના લાઇવ પુરાવા એકત્ર કરી રૂરલ પોલીસને સોંપતા બે પશુપાલકો સામે પશુક્રૂરતાની ફરિયાદ નોંધાઇ છે. યુપીના મહારાજ ગંજથી આવેલ સુરભિ ત્રિપાઠીએ જણાવ્યું કે હું અને દહેરાદૂન ઉત્તરાખંડના રૂબીના નિતીન અય્યર મહત્તમ દૂધ સંપાદન કરતા ઉ.ગુ.ની મુલાકાતે આવ્યા હતા થોડા અરસા અગાઉ બનાસકાંઠાના 8 તબેલામાં ઓક્સિટોસીન ઇન્જેક્શનનો ઉપયોગ પકડ્યો હતો. પરંતુ ત્રણ જણાંએ પોલીસ પહોંચે તે પહેલા પુરાવાઓનો નાશ કરી દેતા પાંચ વિરુદ્વ કાર્યવાહી શક્ય બની હતી.
ત્યારબાદ સાબરકાંઠામાં પણ પશુપાલન વ્યવસાય મોટો હોવાની માહિતી મળતા હિંમતનગર આવી રિક્ષા ભાડે કરી તબેલા હોય ત્યાં લઇ જવા કહેતા ઇલોલ અને કનઇ ખાતે પહોંચ્યા હતા. કનઇમાં આબિદઅલી અલીભાઇ ખણુશીયાના તબેલામાં 6 ભેંસ અને એક બચ્ચું તથા તબેલામાં સફેદ રંગની લેબલ વગરની ઓક્સિટોસિનની 4 બોટલ મળી હતી હાજર વ્યક્તિને પૂછતા તેણે ગામની ડેરીના માધ્યમથી સાબરડેરીમાં દૂધ ભરાવતા હોવાનુ જણાવ્યુ હતુ ઇલોલના સાબીરઅલી નાસીરઅલી ડોડીયાના તબેલા પર પહોંચતા તબેલામાં 17 ભેંસ અને 9 ભેંસના બચ્ચા હતા ત્યાં પણ બે બોટલ જોવા મળી હતી. બંને સ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને સંદિગ્ધ ઓક્સિટોસિન શિડ્યુલ એચમાં આવતુ હોવાની અને તેના ઉપયોગથી જાનવરની જીંદગી દોઝખ બનતી હોવા સહિત માનવ જાત માટે પણ નુકસાન કારક હોવાની વિગતો આપી બંને વિરુદ્વ પશુક્રૂરતા પ્રતિબંધ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે