સરખેજ ફતેવાડીમાં સકલદ રો-હાઉસમાં પત્ની શહેબાઝ અને દીકરા-દીકરી સાથે રહેતા ઈર્શાદ અંસારી (ઉં.36)એ 5 જૂને બપોરે 12.30 વાગે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇર્શાદના ભાઈ આરિફે ઇર્શાદના પુત્ર મોઇનુદ્દીનને પૂછતાં તેણે કહ્યું હતું કે, 3 જૂને તેઓ મામાના ઘરે વટવા ગયા હતા, ત્યારે તેના પપ્પા આવ્યા હતા. તે સમયે મમ્મી શહેબાઝ, નાની સમીમબાનુ, મામા કલીમ તેમજ 2 માસા લતિફ ભઠિયારા અને ઈમરાન અંસારી પણ ત્યાં હતા.
આ સમયે ઇર્શાદે તેની પત્ની પરપુરુષ સાથે વીડિયો કોલથી વાત કરતી હોવાનું સાસરિયાંને કહ્યું હતું. ત્યારે પત્ની શહેબાઝને ઠપકો આપવાને બદલે તેના પિયરિયાઓએ ઇર્શાદ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. ત્યાર બાદ ઇર્શાદ પરિવારને લઈ ઘરે આવ્યો હતો.5 જૂને શહેબાજ અને ઈર્શાદ વચ્ચે ઝઘડો થતાં ઈર્શાદ રડતો ઘરની બહાર જતો રહ્યો હતો. થોડીવાર પછી ઈર્શાદે ઘરે આવ્યો હતો, ત્યારે દીકરો મોઈનુદ્દીનને ઘરે જ હતો જેથી તેને ઘરની બહાર મોકલી દીધો હતો અને ત્યાર બાદ દરવાજો બંધ કરીને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.