સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. રવિવારે રાત્રીથી શરૂ થયેલો વરસાદ સોમવારે સવારે પણ યથાવત રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદના પગલે ઉભી થયેલ સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. . રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવીને સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરી હતી.
બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. હવામાન વિભાગની આગાહીને જોતા આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં સોમવારે વહેલી સવારે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું.
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે NDRFની ટીમ પણ કાર્યરત છે. રાજ્યના તમામ જિલ્લામાં 13 ટીમ એલર્ટ મોડ પર છે. મોરબીમાં ગત મોડી રાત્રે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ સહિતના પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજકોટના ગોંડલ પંથકમાં 24 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રએ ગોંડલને હાઈ એલર્ટ જાહેર કર્યુ છે.