‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે’ એ મંત્રને ચરિતાર્થ કરતા રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણ પાછળ રૂ.૩૦ હજાર કરોડ ફાળવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે નિર્માણ પામેલ અદ્યતન કન્યા છાત્રાલયને ખુલ્લુ મુક્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યના કુલ બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચી સરકારે છેવાડાના ગામો સુધી કે.જી. થી પી.જી. સુધીના શિક્ષણને સુલભ બનાવ્યું છે. રાજ્યમાં ૧૦૮ શિક્ષણ ભવનના નિર્માણનો સંકલ્પ કરનારા સુરતના માતૃશ્રી કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા કેશુભાઈ હરિભાઈ ગોટીના આર્થિક સહયોગથી ડેડીયાપાડાના સામરપાડા ખાતે ૬૬માં શિક્ષણ ભવનરૂપે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના અર્પણ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણમાં ‘સો ટકા એનરોલમેન્ટ અને ઝીરો ટકા ડ્રોપ આઉટ’ના ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધી રહેલી રાજ્ય સરકાર ધો.૮માં સુધી જ નહિ, પરંતુ ધો.૧૨ સુધી રાજ્યનો કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે શિક્ષણ છોડી ન દે તેની સતત કાળજી લઇ રહી છે. વનવાસી વિસ્તારમાં છાત્રાલય બનાવી કન્યા કેળવણીનું સત્કાર્ય કરનાર કાશીબા ટ્રસ્ટને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં છેવાડાના ગામોના આદિવાસી બાળકો શિક્ષણ મેળવી શકે તે ભાવના સરાહનાને પાત્ર છે. નાનકડું છાત્રાલય બનાવવું એ ભલે નાની વાત હોય, પણ એની પાછળ વિશાળ ભાવના સંકળાયેલી હોય છે. શિક્ષણ પાછળ વપરાતી ધનરાશિ સશક્ત સમાજનું નિર્માણ કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતવર્યોના આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું શાલ, પુષ્પ, સ્મૃત્તિભેટ અને ભગવાનની પ્રસાદીની પેટી અર્પણ કરી સન્માન કરાયું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -