એક તરફ કોરોના વાયરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનનાં કારણે વાહનવ્યવહાર બંધ હોવાથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક સડી જવા પામ્યો હતો. તેવામાં બીજી તરફ સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
સાબરકાંઠામાં આવેલા ઇડર, હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા સહિત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે વહેલી સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં વાદળછાયા વાતાવરણથી ઠંડકનો માહોલ ઉભો થયો હતો. પરંતુ માવઠું થાય તેવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
આ કોરોના વાયરસની મહામારીનાં કારણે ખેડૂતોને લાખોનું નુકસાન પહોચ્યું છે. બીજી બાજુ આવા કમોસમી વરસાદ અને માવઠાનાં કારણે ખેડુતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવા વાતવરણને લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. આમ, વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.