દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ આ વર્ષે 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે 9 નવેમ્બર 2022ના રોજ દેશના 50મા CJI તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. જોકે, તે છ મહિના પછી જ નિવૃત્ત થશે. તેમના પછી પણ ઘણા એવા મુખ્ય ન્યાયાધીશો હશે જે છ મહિના પહેલા નિવૃત્ત થઈ જશે. આ રીતે આગામી સાત વર્ષમાં દેશને કુલ આઠ મુખ્ય ન્યાયાધીશો મળવા જઈ રહ્યા છે. તેમાંથી મોટાભાગનાનો કાર્યકાળ બે વર્ષથી ઓછો રહેશે.
જસ્ટિસ સંજીવ ખન્ના:
જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024 ના રોજ CJI ચંદ્રચુડના સ્થાને દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે. તેઓ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે. જાન્યુઆરી 2019 માં, જસ્ટિસ ખન્નાને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ઉન્નત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં કંપની લો, સર્વિસ લો, સિવિલ લો, કોમર્શિયલ લો અને આર્બિટ્રેશન સહિતની બાબતોની સુનાવણી માટે રોસ્ટર પર છે.
જસ્ટિસ બી આર ગવઈ:
જસ્ટિસ ખન્ના બાદ જસ્ટિસ બીઆર ગવઈ દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. તેઓ 14 મે, 2025ના રોજ પદના શપથ લેશે. જો કે તેમનો કાર્યકાળ પણ છ મહિનાનો જ રહેશે. તેઓ 23 નવેમ્બર 2025 સુધી આ પદ પર રહેશે. પાંચ વર્ષ પહેલાં, મે 2019 માં, જસ્ટિસ ગવઈને બોમ્બે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. 2010માં જસ્ટિસ કેજી બાલકૃષ્ણનની નિવૃત્તિ બાદ તેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ દલિત (અનુસૂચિત જાતિ) જજ છે.
જસ્ટિસ સૂર્યકાંત:
જસ્ટિસ બીઆર ગવઈની નિવૃત્તિ બાદ જસ્ટિસ સૂર્યકાંત દેશના 53માં ચીફ જસ્ટિસ બનવા જઈ રહ્યા છે. તેઓ 24 નવેમ્બર 2025ના રોજ આ પદ માટે શપથ લેવાના છે. તેમનો કાર્યકાળ જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ ગવઈ કરતાં ઘણો લાંબો હશે. તેઓ એક વર્ષ અને બે મહિના માટે આ પદ સંભાળશે અને 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને મે 2019માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કર્યા હતા. તે સમયે તેણે પોતાનાથી વરિષ્ઠ 11 જજોને પાછળ છોડી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેમના નામની ભલામણ કરી હતી, જેથી સુપ્રીમ કોર્ટમાં તેમના પિતૃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.
જસ્ટિસ વિક્રમ નાથ:
જસ્ટિસ સૂર્યકાંતની નિવૃત્તિ બાદ જસ્ટિસ વિક્રમ નાથ દેશના 54મા CJI હશે. તેમનો કાર્યકાળ પણ ટૂંકો રહેશે. તેઓ 10 ફેબ્રુઆરી 2027 થી 23 સપ્ટેમ્બર 2027 સુધી લગભગ સાડા સાત મહિના માટે જ આ પદ સંભાળશે. ઓગસ્ટ 2021માં તેમને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પિતૃ અદાલત અલ્હાબાદ હાઈકોર્ટ છે. તેઓ હાલમાં લેબર લો, સર્વિસ લો અને સિવિલ લો સંબંધિત કેસ માટે રોસ્ટર પર છે.
જસ્ટિસ બી.વી. નાગરથનાઃ
જસ્ટિસ વિક્રમ નાથ પછી જસ્ટિસ બીવી નાગરથ્ના દેશના ચીફ જસ્ટિસ બનશે. આ પદ પર પહોંચનારી તે દેશની પ્રથમ મહિલા હશે. એટલે કે જસ્ટિસ નાગરથ્ના ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હશે. જો કે તેમનો કાર્યકાળ 24 સપ્ટેમ્બર 2027થી 29 ઓક્ટોબર 2027 સુધી માત્ર 36 દિવસનો રહેશે. ઓગસ્ટ 2021માં કર્ણાટક હાઈકોર્ટમાંથી તેમને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પિતા ES વેંકટરામૈયા પણ દેશના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. જસ્ટિસ વેંકટરામૈયા દેશના 19મા CJI હતા. તેમનો કાર્યકાળ 19 જૂન 1989 થી 17 ડિસેમ્બર 1989 સુધી 6 મહિનાનો હતો.
જસ્ટિસ પીએસ નરસિમ્હાઃ
જસ્ટિસ નાગરથ્ના બાદ જસ્ટિસ પીએસ નરસિમ્હા દેશના 56માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ 30 ઓક્ટોબર, 2017ના રોજ ચાર્જ સંભાળશે અને 2 મે, 2028 સુધી આ પદ સંભાળશે. તેમનો કાર્યકાળ પણ 6 મહિનાથી ઓછો રહેશે. જસ્ટિસ નરસિમ્હા ત્રીજા CJI હશે જેઓ બારમાંથી પ્રમોશન બાદ આ પદ પર પહોંચશે. તેમના પહેલા જસ્ટિસ એસએમ સીકરી અને જસ્ટિસ યુયુ લલિત પણ બારમાંથી બઢતી મેળવીને ચીફ જસ્ટિસ બન્યા છે. જસ્ટિસ જસ્ટિસ પીએસ નરસિમ્હાને ઓગસ્ટ 2021માં સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.
જસ્ટિસ જે.બી.પારડીવાલા:
જસ્ટિસ પીએસ નરસિમ્હા બાદ જસ્ટિસ જેબી પારડીવાલા દેશના 57માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ આ પદ માટે 3 મે 2028ના રોજ શપથ લેશે. તેમનો કાર્યકાળ બે વર્ષ અને 3 મહિનાનો રહેશે. તેઓ 11 ઓગસ્ટ 2030 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહેશે. આઠ ન્યાયાધીશોની વર્તમાન યાદીમાં તેઓ એકમાત્ર એવા ન્યાયાધીશ છે જેમનો કાર્યકાળ સૌથી લાંબો હશે. તેઓ સુપ્રીમ કોર્ટના ચોથા પારસી જજ છે. તેઓ 9 મે, 2022ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી બઢતી પામ્યા હતા.
જસ્ટિસ કે વી વિશ્વનાથન:
જસ્ટિસ પારડીવાલા બાદ જસ્ટિસ વિશ્વનાથન દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. તેઓ 12 ઓગસ્ટ 2030ના રોજ પદના શપથ લેશે. તેમનો કાર્યકાળ 9 મહિનાથી વધુનો રહેશે. તેઓ 25 મે 2031ના રોજ આ પદ પરથી નિવૃત્ત થશે. બારમાંથી પ્રમોટ થયા બાદ તેઓ CJI સુધી પહોંચનાર ચોથા વ્યક્તિ હશે.