કોરોના મહામારીના પગલે સાત મહિનાથી સુમસામ પડેલા સિનેમા હોલ્સ હવે 15 ઓક્ટોબરથી ફરી ધમધમશે. કેન્દ્ર સરકારે આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર કરી દેવામાં આવી છે. જે અંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓક્ટોબરથી દેશમાં સિનેમા હોલ્સ ખુલી શકશે જોકે તેમણે ક્ષમતા કરતા 50 ટકા જ લોકોને પ્રવેશ આપવો પડશે.
15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. સિનેમા હોલમાં અંદર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી અનિવાર્ય રહેશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી SOP પ્રમાણે થિયેટર માલિકોએ એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવાનું રહેશે. તેવી જ રીતે ફિલ્મના શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું કે, મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે. થિયેટરમાં પ્રવેશવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે. દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ થશે અને માસ્ક પહેરવું પડશે. અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે. જે લોકો કોરોનાની ગાઈડલાઈન ન માને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સીનેમા હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા રાખી શકાશે નહીં. તેવી જ રીતે ક્રોસ વેન્ટિલેશન અને ACને 24થી 30 ડિગ્રી પર રાખવાનું રહેશે.