અરુણાચલ પ્રદેશમાં ચીની ગામ બનવાના મુદ્દે શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા મોદી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે હિંદુસ્તાનની સરહદમાં ઘુસીને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીને એક આખું ગામ ઊભું કરી દીધું છે. આ બધું કંઈ રાતોરાત નથી થયું. અનેક મહિનાઓથી ચીની સૈનિકો અને ત્યાંના લાલ વાંદરાઓની સરકાર આ ગામને વસાવવામાં લાગી હતી.
શિવસેનાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, આપણી હદમાં જ્યારે ચીન નવું ગામ વસાવી રહ્યું હતુ ત્યારે આપણા પ્રધાનસેવક અને ચોકીદાર વગેરે કહેવાતી શક્તિશાળી સરકાર શું કરી રહી હતી?
સામનાના સંપાદકીયમાં મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે, ‘આ નિર્માણ કાર્ય માટે ચીનના સૈનિકો અને સરકાર સતત લાગેલી હતી.
નિર્માણ કાર્ય માટેના સાધનો આવી રહ્યા હતા, પરંતુ આપણી કેન્દ્રની સરકારના કાનો પર જૂ પણ ના ફરકી. લદ્દાખમાં પણ આ પ્રકારે અનેક કિલોમીટર ઘૂસીને ચીને દેશની હજારો વર્ગ કિલોમીટર જમીન હડપી લીધી છે. આ જ રીતે ફરી એકવાર ચીનીઓએ અરુણાચલમાં દેશની સરહદની અંદર એક નવું ગામ વસાવી દીધું છે.