ચીન અને પાકિસ્તાન તરફથી સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે ભારતના વધુ એક પડોશી દેશે સરહદ પર અવળચંડાઈ કરી છે. નેપાળ દ્વારા સરહદ પર ગોળીબારની ઘટના સામે આવી છે. જેના પગલે નેપાળ સરહદે પણ હવે તંગદીલી વધી છે. નેપાળ સરહદે વધુ એક વખત નેપાળ પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ અતિગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
(File Pic)
મળતી માહિતી મુજબ, બિહારના કિશનગંજમાં નેપાળ પોલીસ દ્વારા ભારત અને નેપાળની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. નેપાળ પોલીસ દ્વારા ત્રણ ભારતીય નાગરીકો પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતું જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
(File Pic)
કિશનગંજ એસપીએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે ભારતના નેપાળ સાથે સરહદના નિર્ધારણ અંગે વિવાદ ચાલુ છે.
(File Pic)
નેપાળના સંસદમાં પાસ થયેલા નક્શામાં ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે જેને ભારતે નકાર્યો છે. આપને જણાવી દઈએ કે, નેપાળ તરફથી ભારત-નેપાળ સરહદ પર નેપાળ આર્મ્ડ ફોર્સે ગત મહિને પણ બિહારના સીતામઢીમાં ફાયરીંગ કર્યુ હતું. જેમાં એક ભારતીયનું મોત થયુ હતું અને બે લોકો ઘાયલ થયા હતા.