ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ અરુણચાલપ્રદેશના ગુમ થયેલા પાંચ યુવકોને ભારતને સોંપ્યા છે. 2 સપ્ટેમ્બરના રોજ આ પાંચ યુવકો ગુમ થયા હોવાની જાણકારી સામે આવી હતી, જેમને આખરે ચીને મુક્ત કર્યા છે. જોકે, યુવાનોને સોંપતા પહેલા ચીનની મિડિયાએ એવો દાવો કર્યો હતો કે અરુણાચલના પાંચ યુવકો ભારતીય સેનાના જાસૂસ છે.
જોકે આખરે ભારતીય સેનાના સતત દબાણ બાદ ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ તમામ પાંચ યુવકોને ભારતને સોંપ્યા છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા તમામ 5 યુવકોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સોંપશે. પીએલએ પહેલા પુષ્ટી કરી હતી કે ગુમ થયેલા યુવકો તેમની જમીન પર છે અને તે હેંડઓવરની પ્રક્રિયા મુજબ આગળ કામ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે, આ યુવકો મહિનાની શરૂઆતમાં ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા હતા. પાંચે યુવક 2 સપ્ટેમ્બરથી ગુમ હતા. બાદમાં જાણવા મળ્યું કે, તે ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા છે. ત્યારબાદ ભારતીય સેનાએ હોટલાઇન દ્વારા ચીનની સેનાથી તેમને પરત કરવાની અપીલ કરી હતી. બીજીબાજુ અરુણાચલપ્રદેશથી ગુમ થયાની ઘટના અંગે યુવકોના પરિવારજનોએ ચીન સેના દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.