એલએસી પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. ત્યારે સરહદ પર ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર 60 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ ચીનના આ વર્તન પર તેની ટીકા કરતા જણાવ્યું હતું કે તેનાથી ચીન અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી રહ્યું છે.
મંગળવારે જ આ ચારેય દેશના પ્રતિનિધિઓની ટોક્યોમાં મુલાકાત થઈ હતી. ચારેય દેશો વચ્ચે ચીન દ્વારા નિયંત્રણ રેખા પર અખત્યાર કરવામાં આવેલા આક્રમક સૈન્ય રુખ પર ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે હાલ નિયંત્રણ રેખા પર તણાવ ચાલી રહ્યો છે, અને ચીને પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર પોતાના હજારો સૈનિકો તૈનાત કર્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે. મહત્વનું છે કે, ચીન સાથેના સરહદ વિવાદને લઈ ભારત પણ કડક વલણ અપનાવી રહ્યું છે. ભારતે પણ એલએસી પર સેનાને એલર્ટ રહેવા જણાવી દીધું છે. સાથે જ વાયુસેનાના પ્રમુખે હાલમાં જ ચીનને આડકતરી રીતે ચેતવણી આપી દીધી હતી કે વાયુસેના પોતાના દેશની સરહદની રક્ષા માટે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.