ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. ઇંગ્લેન્ડમાં થયેલા 2019 વર્લ્ડકપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર બાદથી ધોની કોઇ પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યો. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે ટ્વિટ મારફતે જણાવ્યું હતું કે, નાના શહેરના ટીકિટ કલેક્ટરથી લઈ ભારતીય ટીમના કપ્તાન સુધીની મહેન્દ્રસિંહ ધોનીની યાત્રા યુવાનોને પ્રેરણા આપનારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અથાગ મહેનત અને નિશ્ચયથી તેમણે સાબિત કરી દીધું કે જીવનમાં કોઇપણ બાબત અસંભવ નથી. ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન અને વર્લ્ડકપ વિજય માટે ધોની હંમેશા યાદ રહેશે.
(File Pic)
મહત્વનું છે કે, મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ ઝારખંડના મુખ્યમંત્રી પણ ટ્વિટ કર્યુ હતું અને હેમંત સોરેને બીસીસીઆઈ પાસે ઝારખંડમાં ધોનીના ફેરવેલ મેચ કરવાની માંગ કરી હતી.
આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે મોડી સાંજે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક ધોની ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાઈનલમાં છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો.