રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે તેવી ચર્ચા શરૂ થઇ છે. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું.
તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ફરી એક વખત કોરોનાની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધ્યા હતા.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હોસ્પિટલમાં બેડ તૈયાર રાખ્યા છે. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લૉકડાઉન અંગે કોઈ જ વિચારણા નથી. આ ઉપરાંત તેમણે લોકોને બિન જરુરી ઘરની બહાર ન નીકળવા સલાહ આપી હતી અને માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા માટે પણ સલાહ આપી હતી.