આજરોજ રાજ્ય વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાની વિજયકુચ જાળવી રાખી છે. ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રિતેશભાઇ વસાવાએ તેમના નજીકના હરીફ અપક્ષ છોટુભાઈ વસાવાને ૨૩૫૫૨ જેટલા મતોથી પરાજય આપીને ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે બીટીપીના સર્વેસર્વા ગણાતા છોટુભાઈ વસાવા છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક જીતતા આવ્યા હતા. હાલમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણી દરમિયાન બીટીપી ના અન્ય પાર્ટી સાથેના ગઠબંધનની વાતને લઇને છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે વિવાદ સર્જાતા આ ચુંટણીમાં છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી.
અત્રે નોંધનીય છેકે ગત તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી અગાઉ છોટુભાઈ વસાવાના નજીકના ગણાતા પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપાએ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પણ કબજે કરી લીધી હતી. હાલની ચુંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સભા સંબોધી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષોથી આધિપત્ય જાળવી રાખનાર છોટુભાઈ વસાવાને હાર આપીને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિષ્ઠિત ગણાતી ઝઘડિયા બેઠક કબજે કરી લીધી હતી. વિજયી ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થકોમાં આનંદનું મોજુ ફેલાયુ હતું. સર્વત્ર ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. વિજયી ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં કાર્યકરો ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ઐતિહાસિક વિજયનો આનંદ લેતા નજરે પડતા હતા.