કહેવાય છે ને કે જે વ્યક્તિને પોતાના સપના સાકાર કરવા હોય તેને કોઈ રોકી નથી શક્તું. આ જ વાતને મધ્યપ્રદેશના નીમચમાં એક ચાની કિટલી ધરાવતા પિતાની પુત્રીએ સાચી ઠેરવી બતાવી છે.
મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનારની પુત્રી આંચલ ગંગવાલ ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ ઓફિસર બની છે. હૈદરાબાદમાં આયોજિત દીક્ષા સમારોહમાં આંચલને સમ્માનિત કરવામાં આવી હતી.
એરચીફ માર્શલ આરકેએસ ભદોરીયાએ આંચલ અને અન્ય તાલીમાર્થીઓને દેશ સેવામાં સમર્પિત કર્યા. પુત્રીની આ સિધ્ધિથી ચા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પિતા સહિત પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાંજસિંહ ચૌહાણે પણ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે નીમચમાં ચાની કીટલી ધરાવતા સુરેશ ગંગવાલની પુત્રી આંચલ હવે વાયુસેનામાં ફાઈટર પ્લેન ઉડાવશે. આપને જણાવી દઈએ કે, આંચલના પિતા સુરેશ ગંગવાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી આશરે 400 કિલોમીટર દૂર નીમચમાં બસ સ્ટેન્ડ પર આશરે 25 વર્ષથી એક નાની ચાની કિટલી ચલાવે છે.