જમ્મુ-કાશ્મીરમાં થયેલ પુલવામા આતંકી હુમલાની તપાસમાં નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી એનઆઈએની ટીમે 5 હજાર પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે, જેમાં જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહર અને રઉફ અસગર મસૂદનું નામ પણ સામેલ છે.
ચાર્જશીટમાં મસૂદ અઝહરના ભત્રીજા ઉમર ફારુક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેઈલ્સ પણ સામેલ છે.
એનઆઈએએ તૈયાર કરેલી ચાર્જશીટમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર મારફતે આરડીએક્સ લાવવાના સમગ્ર ષડયંત્રની ડિટેઈલ્સ પણ આપવામાં આવી છે. આ ચાર્જશીટના માધ્યમથી પાકિસ્તાન ફરી એકવાર ખુલ્લુ પડ્યુ છે. એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2019માં ફેબ્રુઆરી મહિનામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહિદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. હુમલા બાદ દેશના વિવિધ ભાગોમાં આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઠેર ઠેર દેશની જનતાએ શહિદ જવાનોને અશ્રુભિની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.