રાજ્ય સરકારે ૦૩ જુલાઈ, ૨૦૨૦ના રોજ વટહુકમ બહાર પાડીને કારખાના અધિનિયમ-૧૯૪૮માં સુધારો કર્યો છે. આ સુધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ આર.એમ. છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે રાજ્ય સરકાર તેમજ શ્રમ અને રોજગાર વિભાગના સચિવને નોટિસ પાઠવી છે અને ત્રણ સપ્તાહની સમયમર્યાદામાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
(File Pic)
હાઈકોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડીને જે સુધારો કર્યો છે, તેના લીધે કારખાના અધિનિયમનો મૂળ ઉદ્દેશ્ય જ મરી પરવારે છે. ગુજરાત મજદૂર સભા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 1922માં સૌપ્રથમ કારખાના અધિયનિયમ અમલમાં આવ્યો હતો. ત્યારબાદ 194માં ફરી નવો કારખાના અધિયનિયમ ઘડવામાં આવ્યો હતો, જે હજુ સુધી અમલમાં છે. અરજદારનો આક્ષેપ છે કે અંગ્રેજોએ 1922માં અમલમાં મૂકેલામાં કાયદામાં કામદારોને અપાયેલી સુવિધામાં વધારો કરવાને બદલે સરકાર કામદારોના હક છીનવી રહી છે. અરજદારની માગણી છે કે આ વટહુકમને ગેરબંધારણીય ઠેરવી રદ કરવો જોઇએ.
(File Pic)
મહત્વનું છે કે, સમાજ-કલ્યાણલક્ષી ગણાતા આ કાયદાનો મૂળભૂત હેતુ કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો અને કામદારોને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાનો હતો. આ ઉપરાંત તેમની આરોગ્ય અને તંદુરસ્તી જળવાઇ રહે અને રોજગારી પણ મળી રહે તે બાબત સુનિશ્ચિત કરવાનો હતો. સાથે જ મહિલા કામદારોની સુરક્ષા તેમજ કામદારોનું શોષણ અટકાવવા કામકાદના કલાકો પણ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. અકસ્માતો રોકવા નિયત સમયે કારખાના અને મશીનરીના સમારકામની જોગવાઇ પણ આ કાયદામાં હતી.