કોરોના મહામારીને ધ્યાને લઈ ભારત સરકારે ફેબ્રુઆરી 2020થી આંતરરાષ્ટ્રીય યાત્રીઓના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે હવે ભારત સરકારે આ પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કર્યો છે અને પર્યટકોને બાદ કરતા તમામ વિદેશી નાગરીકોને ભારત આવવાની છૂટ આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જાહેર કરીને તમામ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (PIO) કાર્ડ-ધારક અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. જોકે એવા તમામ યાત્રીકોને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.
મંત્રાલયે કહ્યું કે સરકાર પર્યટક વીઝાને બાદ કરતાં તમામ ઓસીઆઇ, પીઆઇઓ કાર્ડધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઇમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગોથી દેશમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે આ છૂટ હેઠળ સરકારે ઇલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને છોડીને તમામ હાલના વીઝા તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા ઈચ્છુક વિદેશી નાગરિક મેડિકલ વીઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે.