સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ત્રિવિધ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણના 192માં અંતર્ધ્યાન દિવસ, ભીમ એકાદશી તથા ગંગા દશહરાના પવિત્ર પર્વ પર સત્સંગ સમારોહ યોજાયો હતો. જેમાં ગુસ્કુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણને જળનો અભિષેક કરવામાં આવ્યો હતો.ગંગાજળ તથા કેસર મિશ્રિત તાપી જળથી સંતો તથા હરિભક્તો દ્વારા અભિષેક કરાવાયો હતો.” ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય નમઃ’ મંત્રોચાર સાથે જળાભિષેક તેમજ શ્રી મહાવિષ્ણુયાગમાં જવ , તલ તથા ધી વગેરે હૂત દ્રવ્યોની આહૂતિઓ શ્રી દિવ્ય સ્વામી, વગેરે સંતો તથા યજ્ઞ મંડળના ભક્તોએ આપી ધન્યતા અનુભવી હતી.
પુરાણી અક્ષરપ્રિયદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ 192 વર્ષ પહેલા જેઠ સુદ દશમના દિવસે ગઢડા ગામે પાર્થિવ શરીર છોડી સ્વેચ્છાયે અક્ષરધામ સિધાવેલા તે અંતર્ધાન લીલાઓની કથામાં શ્રોતાઓને સંભળાવી હતી.આ પ્રસંગે પ્રભુ સ્વામી તથા સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઉપસ્થિત સહુ ભાવિકોને કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે 30 વર્ષ ગુજરાતમાં વિચરણ કરી લોકોને સદાચારમય જીવન જીવતાં કર્યાં હતા. વ્યસન અને અંધશ્રદ્ધામાંથી લોકોને છોડાવી સુખીયા કર્યા હતા.એકાદશીના પવિત્ર દિવસે પ્રાતઃ કાળે ભક્તિનંદન ધનશ્યામ મહારાજને પંચામૃત તેમજ પુષ્પ પાંખડીથી અભિષેક કર્યો હતો.