હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. ત્યારે રાજ્યભરમાં જેનું અનેરૂં મહાત્મય અને સદીઓથી રહ્યું છે તેવા લોક તહેવારોનો આજથી પ્રારંભ થશે અને એક સપ્તાહ ચાલશે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના વિવિધ ભાગોમાં શુક્રવારે બોળચોથની ઉજવણી કરવામાં આવી હતી.
(File Pic)
શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. શુક્રવારના રોજ બોળ ચોથની ઉજવણી કરવામાં આવી હતી. ઘણા લોકો તેને બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા, તથા ફૂલના હારથી ગાય-વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં.
રાજ્યના વિવિધ ભાગોમાં બોળચોથના દિવસે ગાયમાતાની પૂજા કરવામાં આવી હતી. જામનગરની યુવતિ જસ્સી આહિરે પણ તેના ઘર આંગણે પોતાની ગાય જેનું નામ શનિ છે તેની વિશેષ પૂજા અર્ચના કરી હતી.. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ છરી-ચપ્પુથી છોલતી નથી, શાકભાજી પણ સુઘારાતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.