રોજગારીમાં ગુજરાત નંબર વન હોવાના દાવાઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા રહ્યા છે પણ વાસ્તવિક્તા કંઈક અલગ છે. થોડા દિવસો પહેલા રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અટકાવાયેલી 10,200 શિક્ષકોની ભરતી તાત્કાલિક હાથ ધરવાને લઈ માંગ ઉઠવા પામી હતી…
આ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવતી ભરતીઓને લઈને પણ ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીઓએ જીઆરને લઈને ટ્વિટર પર #WeWantGRSolution હેશટેગ સાથે સરકારને આડેહાથ લેવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની ઉગ્ર માંગ રજુ કરી હતી.
સોમવારે સમગ્ર દિવસ દરમિયાન આ હેશટેગ સાથે વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ પોતાની રજુઆત કરી હતી. ઓનલાઈન કેમ્પેઈનને લઈ ગુજરાત સરકાર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ હતી.
આ હેશટેગ ટોપ ટ્રેન્ડમાં ચાલ્યો હતો અને વિદ્યાર્થીઓએ ભરતી પ્રક્રિયામાં જીઆરને લઈને જે વિવાદ છે તેને ઉકેલ ઝડપથી લાવવા માટે ટ્વિટરના માધ્યમથી ઉગ્ર રજુઆત કરી હતી.
ઉમેદવારોએ કોઈપણ રીતે જીઆરના લીધે જે ભરતી અટકાયેલી છે તેનો નિવેડો લાવવા માટે રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ગુજરાત તેમજ શંકરસિંહ વાઘેલાએ પણ સરકારને આડે હાથ લઈ ટ્વિટર પર વિદ્યાર્થીઓની રજુઆતને વાચા આપી હતી…