ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરુચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મનસુખ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પોતાનુ રાજીનામા પત્ર મોકલી આપ્યો છે.
પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલને લખેલા પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.
તેમણે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે ‘આખરે હું પણ એક માનવી છું. ભાજપે મને મારી ક્ષમતા કરતા ઘણું વધું આપ્યું છે. હું કેન્દ્રીય નેતાગીરીનો આભાર માનું છું. સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જોકે મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તો પણ રાજીનામું પરત નહીં ખેંચું. નાદુરસ્ત તબિયતકના કારણે રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી.