સોમવાર રાત્રે લદાખમાં ચીન દ્વારા ભારતીય જવાનો પર કરાયેલા હુમલાની દેશભરમાં ટીકા કરવામાં આવી રહી છે. આ હુમલામાં ભારતીય સેનાના 20 જેટલા જવાન શહીદ થતા બંને દેશ વચ્ચે મામલો બીચક્યો છે.
એવામાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ- CAIT ચીનનો સામાન બહિષ્કાર કરવા અભિયાનની તૈયારી કરી રહ્યુ છે. CAIT ચીની સામાનનો ઉપયોગ ન કરવા અને ભારતીય સામાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સામાન-અમારુ અભિયાન, ઝુંબેશ શરુ કરી છે.
આ માટે CAIT 500થી વધુ વસ્તુની યાદી તૈયાર કરી છે, જે હેઠળ 3000થી વધુ ચીની ઉત્પાદનો આવે છે. લિસ્ટના તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરી CAIT ડિસેમ્બર 2021 સુધી ચીની આયાતમાં આશરે એક લાખ કરોડ રુપિયાનો ઘટાડો લાવવાનો લક્ષ્ય તૈયાર કરાયો છે.
જે વર્તમાન સમયમાં 5.25 લાખ કરોડનો બિઝનેસ છે. CAITએ અભિયાનના પહેલા તબક્કામાં 3000થી વધુ વસ્તુઓની પસંદગી કરી છે જે ભારતમાં પણ નિર્માણ પામે છે, પરંતુ સસ્તા ભાવને લીધે અત્યાર સુધી ચીન પાસેથી ખરીદવામાં આવતી હતી.
આ બહિષ્કાર અભિયાનમાં કેટલીક ચીની એપ્સ પણ સામેલ કરવામાં આવી છે.