ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું મંદિર બને તે માટે વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો છે.
1001 મંદિર નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવાની પ્રારંભિક યોજના મુજબ ઉમિયા પરિવાર સંગઠન, કડવા પાટીદાર સમાજ અને માં ઉમિયા પ્રત્યે ક્ષદ્ધા રાખવનાર તમામ જ્ઞાતિ સમાજનો સહયોગ લઈ સને 2030 સુધીમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવનાર છે જેને લઈ ઉમિયાધામ ખાતે કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ પટેલ સહિતના હોદેદારોની બેઠક યોજાઇ હતી.
જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે મા ઉમિયાના ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ તેના અડધા કલાકમાં 410 ફોટો મંદિર અને શિખર મંદિરો બનાવવાની જાહેરાત કરાઈ, જેને હાજર સૌએ મા ઉમિયાના જયજયકાર સાથે વધાવી લીધી હતી.
સંસ્થાના માનદમંત્રી દિલીપભાઈ નેતાજી એ જણાવ્યુ કે, શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર બનાવનાર દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટો ફોટો તેમજ રૂ.25000 આર્થિક સહયોગ સંસ્થાન તરફથી આપવામાં આવશે. 11 સભ્યોની કમિટી બનાવી ફોટો મંદિરની પૂજા સહિતની જાળવણી કરવામાં આવશે.