ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જે મુજબ ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શક્તસિંહ ગોહિલનો વિજય થયો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર થઈ છે.
ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ ભાજપને આડકતરી રીતે સમર્થન આપ્યું છે.
કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું.
ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે અને કોંગ્રેસ-બીટીપીનું સમર્થન તૂટી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી દૂર રહીને બીટીપીએ કોંગ્રેસને બે મતનું નુકસાન તો કરાવ્યું, સાથે જ એક ઉમેદવારની હાર પણ કરાવી.
બીટીપીએ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસી નેતાઓનો જીવ ઉંચો રાખ્યો કે, તેઓ વોટ કરવા આવશે. પરંતુ આખરે વોટ ન કરવાનો નિર્ણય કરીને તો નુકસાની કોંગ્રેસને જ ભોગવવાની થઈ છે. કહેવાય રહ્યું છે કે, વોટિંગ ન કરીને બીટીપીએ કોંગ્રેસ સાથેનું રાજકીય વેર વાળ્યું છે અને ભાજપને સાથ આપ્યો છે. આવામા બીટીપીએ રૂપાણી સરકારને સાથ આપ્યો છે.