બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.આ દરમિયાન બીએસએફની ટીમે પાંચેય ઘુસણખોરોને ઠાર માર્યા છે. ઠાર કરાયેલ પાંચેય ઘુસણખોરો છે કે પાકિસ્તાની આતંકી તે અંગે બીએસએફની ટીમે હાલ તપાસ હાથ ધરી છે.
બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે, બીએસએફની ટીમે તરનતારનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણકોરોને જોયા હતા. આ દરમિયાન બીએસએફ જવાનોએ તેમને સમર્પણ કરવા જણાવ્યુ હતું. જોકે, ઘુસણખોરોએ બીએસએફ જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું. જેનો વળતો જવાબ આપતા પાંચેય ઘુસણખોરો માર્યા ગયા છે.
ઠાર કરવામાં આવેલ પાંચેય ઘુસણખોરો પાસેથી એકે -47, એક પિસ્તોલ અને એક પીઠ્ઠુ બેગ મળી આવી છે. આ ઘટના બાદ સરહદ પર ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. મહત્વનું છે કે આ પહેલા થોડા દિવસો અગાઉ પણ એક આતંકવાદીએ ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરને બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો.