સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી દુનિયાભરના અનેક દેશો સંક્રમિત થયા છે. અત્યાર સુધી આ વાયરસે કરોડો લોકોને ઝપેટમાં લીધા છે જ્યારે 10 લાખથી વધુ લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. કોરોનાનો ખાતમો કરવા વિવિધ દેશોમાં રિસર્ચ કરવામાં આવી રહ્યા છે તેમજ તેની વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે.
ત્યારે ચીનના રિસર્ચર્સની એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માતાના દૂધ મોટાભાગે કોરોના વાયરસને ખતમ કરી દે છે. આ પહેલા કેટલાક સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બ્રેસ્ટ ફિડિંગથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના પોઝિટિવ થનારી માતાઓએ બાળકોને દૂધ પીવડાવવાનું ચાલું રાખવું જોઈએ.
scmp.comમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે બીજિંગના રિસર્ચર્સે સ્ટડી દરમિયાન હ્યુમન સેલ્સ અને પ્રાણીઓના સેલ્સમાં માતાના દૂધ ઉપર પરીક્ષણ કર્યું હતું. વિભિન્ન પ્રકારના સેલ્સ ઉપર પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે માતાના દૂધના કારણે મોટાભાગે વાયરસ મરી જાય છે. બીજિંગ યુનિવર્સિટીના પ્રોફેસર ટોન્ગ યીગેંગે કહ્યું કે માતાનું દૂધ વાયરલ અટેચમેન્ટને બ્લોક કરી દે છે. રિસર્ચર્સની ટીમને biorxiv.org ઉપર આ સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે જેનું અત્યાર સુધી રિવ્યૂ કરવામાં આવ્યું નથી.