વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ખુડવેલથી રૂપિયા 586 કરોડના એસ્ટલ પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. બીજી તરફ નવસારી પાલિકા હદ વિસ્તારમાં આવેલા નહેરુનગરમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં લાખો લીટર પીવાનું કિંમતી પાણી ગટરમાં વહી ગયું છે. આ બંને ચિત્રો વિરોધાભાસ ઉભો કરે છે. સ્થાનિકોની અનેક વખતની ફરિયાદ પાલિકાના કર્મચારીઓ ધ્યાને ન લેતા શહેરના કિંમતી પીવાના પાણીનો વેડફાટ થયો છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી મોદી સાહેબના કાર્યકમમાં વ્યસ્ત હોવાથી પાણીનો વેડફાટ હજુ સુધી થઈ રહ્યો છે. નહેરુ નગરની બાજુમાં વોટર વર્કસની કચેરી આવી છે, જ્યાંથી શહેરને પાણી સપ્લાય થાય છે.
દર વર્ષે ગુજરાતમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે તેવામાં નહેરુ નગરના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી પાણીની લાઈન કે જે સમગ્ર શહેરને પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે ત્યાં છેલ્લા દસ દિવસથી ભંગાણ પડ્યું છે. છતાં નિંદ્રાધીન બનેલા પાલિકા સત્તાધીશો અને કર્મચારીઓને કોઈ ફરક ન પડતો હોય તેમ આ પાણીની લાઇનને દુરસ્ત કરવાની કોઈએ પણ તસ્દી લીધી નથી.પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ઝરણાની જેમ વહેતું પાણીએ શહેરીજનો માટે ઉપયોગી થનાર કિંમતી પાણી છે. જે પાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે ગટરમાં વહી ગયું છે. ગ્રામ્ય વિસ્તાર માટે બે બેડા પાણી લેવા માટે લોકો પાંચ કિલોમીટર સુધી પગપાળા જતા હોય છે, તો બીજી તરફ શહેરમાં ઊલટું ચિત્ર ઉપસી આવ્યું હોય તેમ સરેઆમ પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે.