ઉનાળાની શરૂઆત થતા જ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ હાઇવે માર્ગો ઉપરની સોસાયટીઓમાં ધીમા પ્રેસરથી તેમજ ગંદુ પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે.
ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાઇપ લાઈનો પણ લીકેજ થઇ રહી છે. ત્યારે આજરોજ બગવાડા દરવાજાથી સુભાષચોક જવાના માર્ગ ઉપર આવેલી વાદી સોસાયટી રોડ ઉપર પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થતા નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીન મારફતે ઊંડો ખાડો કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ કામગીરીને પગલે થોડા સમય માટે બન્ને બાજુના રસ્તા બ્લોક કરવાની ફરજ પડી હતી.
મહત્વનુ છે કે, હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે લોકો ઘરમાં જ રહી પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તેવામાં કાળઝાળ ગરમીથી એમ પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે પાટણમાં હાઇવે માર્ગો ઉપરની સોસાયટીઓમાં ધીમા પ્રેસરથી તેમજ ગંદુ પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે. જે અંગે અનેકવાર રજૂઆત કરાઇ છે. તેમ છતાં આ અંગે કોઈ નિવારણ આવતું નથી.