ભાવનગર એસ.ટી. ડિવિઝનના બોટાદ એસ.ટી. ડેપોમાં બનાવટી નિમણૂક પત્ર રજૂ કરી બે મહિના સુધી નોકરી કરનાર યુવતીના બોગસ નોકરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેણીની સામે આજે ડેપો મેનેજર દ્વારા સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. હવે પોલીસ પૂછતાછમાં યુવતી પાસેથી સમગ્ર કારસ્તાન પાછળ કેટલા ચહેરા છુંપાયેલા છે? તેની હકીકત બહાર પડે તેવી પૂરી સંભાવના છે.એસ.ટી. તંત્રમાં ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર બોટાદ એસ.ટી. ડેપોમાં મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતી યુવતી પારૂલબેન લવજીભાઈ પટેલએ બોગસ ઓર્ડર રજૂ કરી સરકારી નોકરી મેળવી હોવાનું ધ્યાન પર આવતા ભાવનગર વિભાગીય નિયામક પી.એમ. પટેલ સહિતની ટીમ ગઈકાલે બોટાદ ખાતે દોડી ગઈ હતી અને યુવતીની પૂછતાછ કરતા તેમજ નોકરી માટે રજૂ કરેલો નિમણૂક પત્ર ખોટો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.આ તપાસમાં યુવતીએ અમદાવાદ મધ્યસ્થ કચેરીનો ખોટો ઓર્ડર રજૂ કર્યો હતો. તેમાં ભાવનગર વિભાગીય નિયામકનો હોદ્દો દર્શાવી ડી.સી.ની ખોટી સહી કરી હતી અને આ ઓર્ડર લઈ તેણી સીધી જ બોટાદ એસ.ટી. ડેપોમાં હાજર થઈ ગઈ હોવાનું જણાયું હતું. જો કે, માસ સુધી યુવતીએ કંડક્ટર તરીકે ફરજ બજાવી હોવા છતાં બોટાદ એસ.ટી.ના કર્મચારીઓ કે ભાવનગર કચેરી અંધારામાં જ રહી હતી. ત્યારબાદ ગઈકાલે સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ આખરે આ યુવતી પારૂલબેન પટેલ સામે બોટાદ એસ.ટી. ડેપો મેનેજરે બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.