હોલીવુડ ફિલ્મોના જાણીતા અભિનેતા અને બ્લેક પેંથર તરીકે જાણીતા બનેલા ચૈડવિક બોસમૈનનું શુક્રવારે દુ:ખદ નિધન થયુ છે. માર્વલ સ્ટુડિયોની ફિલ્મ બ્લેક પેંથરમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરનાર 43 વર્ષીય અભિનેતા ચેડવિક બોસમેન છેલ્લા ચાર વર્ષથી કેન્સરની બિમારીથી પીડાતા હતા.
મળતી માહિતી મુજબ, ચેડવિકના પ્રતિનિધિએ અભિનેતાના નિધન અંગેની પુષ્ટી કરી છે. ચેડવિકે લોસ એન્જલસમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન અભિનેતાની પત્ની અને પરિવારના સભ્યો તેમની સાથે હતા. સુપરસ્ટાર અભિનેતાના મોત અંગે ટ્વિટ કરીને પણ જાણકારી અપાઈ હતી.
તેના મોતના પગલે તેના પરિવારની સાથે સાથે લાખો પ્રશંસકો પણ આઘાતમાં સરી પડ્યા છે જેઓ તેને બ્લેક પેંથર તરીકે ઓળખતા હતા. અભિનેતા ચેડવિક છેલ્લા ચાર વર્ષથી કોલોન કેન્સર નામની બિમારીથી પીડાતા હતા. અભિનેતાના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ચેડવિકે છેલ્લા 4 વર્ષમાં ઘણી ફિલ્મોનું શુટિંગ કર્યું અને આ તેની સર્જરી અને કીમીયોથેરાપી વચ્ચે જ થયું.
બ્લેક પેંથરે બનાવ્યો સુપરસ્ટાર
હોલીવુડ સ્ટાર ચેડવિક બોસમેનનો જન્મ 29 નવેમ્બર 1976ના રોજ સાઉથ કેરોલિનામાં થયો હતો. તેમણે પોતાના કરીયરની શરુઆત વર્ષ 2003માં ટેલિવિઝન ક્ષેત્રથી કરી હતી. તેઓ ઘણા ટીવી શોમાં જોવા મળ્યા હતા. જ્યારે ફિલ્મ ક્ષેત્રે તેમણે 2008માં ઝંપલાવ્યો હતો. તેમણે 14થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં બ્લેક પેંથર, કેપ્ટન અમેરિકા- સીવીલ વોર, એવેન્જર્સ ઈન્ફિનિટિ વોર, એવેન્જર્સ એન્ડગેમ તેમજ ગોડ્સ ઓફ ઇજિપ્ત જેવી શાનદાર ફિલ્મો પણ સામેલ છે. બ્લેક પેંથર ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે તેમણે શાનદાર કામ કરતા આ માટે તેમને બેસ્ટ હિરો, બેસ્ટ પર્ફોમન્સ મૂવી તરીકે ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.