આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર અને બાંધકામ કમિટીના ચેરમેન કેતન બારોટ, ભાજપના મહામંત્રી રાજેશ પઢીયાર સહિતના હોદૃદાર-કાર્યકરોએ ગણેશ ચોકડી પાસે આવેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એક ટપોરીને છાજે એ રીતે હોટલના કર્મચારી અને માલિક સાથે મસાલા ઢોંસાનું રૂપિયા 100નું બિલ ચૂકવવું ન પડે એ માટે માથાકૂટ કરી તેમને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાનો વિડિયો જોકે, સોશિયલ મીડિયામાં ગુરૂવારે વાઈરલ થતાં દિવસ દરમિયાન આણંદના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. જોકે, સમગ્ર બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.
તેમણે હોટલ માલિક સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. જેને પગલે મામલો વણસ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદૃદારો પણ સ્થળ પર દોડી ગયા હતા અને હોટલ માલિક તથા કાઉન્સિલરોને સમજાવીને મામલો થાળે પાડયો હતો.સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ કે કેમ તે બાબતે પૂછતાં આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપવા આવ્યું નથી. તેથી ફરિયાદ નોંધાઈ નથી.