કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું એક ટીવી ડિબેટ બાદ હાર્ટએટેકના કારણે મોત થઈ ગયુ હતું. ત્યારે આ મામલો હવે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. જેને લઈને રાજસ્થાનમાં યુવા કોંગ્રેસ તરફથી સંબિત પાત્રા સામે અમર્યાદિત, જાતિવાદી અને ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએ એફઆઈઆર પણ દાખલ કરાવવામાં આવી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેમની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રની વિરુદ્ધ 33 જિલ્લામાં 39 જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
(File Pic)
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે એક ટીવી ડિબેટમાં સંબિત પાત્રાએ રાજીવ ત્યાગીની વિરુદ્ધ અમર્યાદિત, જાતિગત અને ધાર્મિક ટિપ્પણી કરી હતી. જેની રાજીવ ત્યાગી પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. ડિબેટના થોડા સમય બાદ હાર્ટ એટેકના કારણે તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે, કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે જ હાર્ટ એટેકનું કારણે નિધન થઈ ગયું હતું. એટેકના થોડા સમય પહેલા તેઓ એક ટીવી ચેનલની ડિબેટમાં સામેલ થયા હતા. ત્યારે હવે રાજીવ ત્યાગીના મોત માટે સંબિત પાત્રાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ દ્વારા જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે અને રાજ્યના વિવિધ જિલ્લામાં પોલીસ મથકમાં સંબિત પાત્રા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.