શાસક પક્ષના સાંસદ દ્વારા જ જ્યારે પોલીસ અધિકારીઓ કે અન્ય વિભાગના અધિકારીઓ પર કોઈ બાબતે આક્ષેપો કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ સવાલો ઊભા થાય છે કે, તમે શાસન કરી રહ્યા છો ત્યારે અધિકારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.બુટલેગરોને કઈ રીતે નિયંત્રીત કરી શકાય તેમજ પોલીસની આ બાબતે કયા પ્રકારની ભૂમિકા છે, તે પણ સ્પષ્ટ છે. ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એલસીબી પર બુટલેગરો પાસેથી ૩૫ લાખ રૂપિયાનો હપ્તો ઉઘરાવાનો ગંભીર આક્ષેપ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓ વ્યસનમુક્તિ માટે રાત દિવસ એક કરી વ્યસનમુક્તિ કાર્યક્રમ ચલાવે છે ત્યારે નર્મદા જિલ્લાના એલસીબીના પોલીસ અધિકારીઓ મહિને ૩૫ લાખ જેટલા રૂપિયાનો હપ્તો ઉઘરાવી બુટલેગરોને રહેમનજરે દારૂ વેચવાની છૂટ આપે છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ મિયાસી પાસે દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. બીજી બાજુ અત્યાર સુધી વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ બાબતે આક્ષેપો કરવામાં આવતા હતા પણ હવે ખુદ શાસક પક્ષના સાંસદ દ્વારા જ આ બાબતે જાહેરમાં એલસીબી પર હપ્તા ઉઘરાવાની વાત કરવામાં આવતા બુટલેગરો કેટેલે અંશે બેફામ બન્યા છે તે સમજી શકાય તેવી બાબત છે.
વધુમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, મને થોડી થોડી ખબર પડી કે, સોલિયા ગામમાં મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ બુટલેગરોને રોકવા પડશે નહીં તો યુવાપેઢીને ખતમ કરી નાખશે. આ બુટલેગરો અનેકવાર દારૂ વેચતા પકડાઈ ગયા છે, છતાં તેઓ સુધારવાનું નામ લેતા નથી. માત્ર મનસુખ વસાવાના બોલવાથી જ કઈ નહીં થાય. સોલિયા સિવાય પણ અનેક જગ્યાએ આવા દૂષણો ચાલે છે. મિયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારૂ વેચવાનું શરૂ કરી દીધું છે. મને તો એવી ખબર પડી છે કે, એલસીબીના પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ જ આ બુટલેગરો દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. મનસુખ વસાવાએ વધુમાં એમ પણ કહ્યું કે, સોલિયા ગામમાંથી મહિને 35 લાખ જેટલા રૂપિયાનો હપ્તો ઉઘરાવામાં આવે છે. તથા નર્મદામાં દારૂ સિવાય પણ જુગાર, સટ્ટા બેટીંગનો પણ ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.