બિહાર ચુંટણીમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાવાની છે. મહાગઠબંધને સીટોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે તો બીજીબાજુ એનડીએએ પણ બેઠકોની વહેંચણી પર મહોર મારી દીધી છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ અને જેડીયુ વચ્ચે 50-50ની ફોર્મ્યુલા પર સહમત થયા છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આખરે ભાજપ સામે ઝુકવું પડ્યું છે અને 50-50ની ફોર્મ્યુલા પર સહમત થઈ ગયા છે. જેડીયુ અગાઉ ભાજપ કરતા વધુ બેઠકો પર લડવાનો આગ્રહ રાખી રહી હતી પરંતુ આખરે તેમણે પોતાની હઠ છોડવી પડી છે. આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ જેડીયુ 119 બેઠકો પર તેમજ ભાજપ 119 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
જ્યારે ખાલી પાંચ બેઠકોને જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોર્ચા માટે છોડવામાં આવી છે. તો બીજીબાજુ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નજીકના સુત્રોએ કહ્યું કે, પાર્ટી પ્રમુખ ચિરાગ પાસવાને બેઠકોની વહેંચણી અંગે જણાવ્યું કે, તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચુંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં નહીં લડે. એલજેપી ચૂંટણી બાદ ભાજપ સાથે હાથ મિલાવવા અંગે વિચાર કરી શકે છે. જોકે હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. ત્યારે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી રસપ્રદ રહે તેવા અણસાર જોવા મળી રહ્યા છે.