ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો 16 ઓક્ટોબર એટલે કે શુક્રવારે છેલ્લો દિવસ હતો. જ્યારે ફોર્મ ચકાસણી શનિવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં 16 ઓક્ટોબરે એક જ દિવસમાં 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 16 ઓખ્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સહિત અને અપક્ષ અને નાના નાના પક્ષોના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અચાનક બિલાડીના ટોપની જેમ અપક્ષો ફુટી નીકળ્યા હતા.
હાલ ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ હવે પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ કરી દીધી છે. ગુજરાતની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં નામાંકન પત્રોની ચકાસણીને અંતે આ રાજકીય જંગમાં હવે કુલ 102 ઉમેદવારો રહ્યા છે. શનિવારે થયેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા. આ યાદી પ્રમાણે સૌથી વધુ ઉમેદવારો મોરબી બેઠક પર 20 નોંધાયા છે જ્યારે કપરાડા બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારો નોંધાયા છે.
આ 102 ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીના કુલ 27 ઉમેદવારો નોંધાયા છે જ્યારે 75 ઉમેદવારો અપક્ષ હોવાની વિગત સામે આવી છે. ગુજરાતની 8 બેઠકો પૈકી અબડાસા બેઠક પર 19, મોરબી બેઠક પર 20, લીંબડી બેઠક પર 14 તેમજ ધારી બેઠક પર 12, ગઢડા બેઠક પર 13 ઉમેદવાર છે. જ્યારે કરજણ બેઠક પર 11, ડાંગ બેઠક પર 9 અને કપરાડા બેઠક પર 4 ઉમેદવારો છે.
મહત્વનું છે કે આ વખતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્ય અને યુવા સંગઠનના પ્રમુખ ઉમેશભાઈએ પણ યુવાનોનો અવાજ બુલંદ કરવા મોરબી વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ત્યારે આ વખતે શિક્ષત યુવા બેરોજગારો પણ મોરચો માંડવા તૈયાર થયા છે.