મેળા દરમિયાન 3500 જેટલા સંઘો, 250 જેટલા કેમ્પો એ સેવાયજ્ઞમાં આહુતિ આપી. તો 3200 જેટલી ધજા ચડાવાઈ, ભંડારમાં 2 કરોડ 60 લાખની આવક થઈ. સવા લાખ લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ. રોજનું 40 લાખ લીટર પાણી પુરવઠો વિતરણ કરાયો. તો સોશિયલ મીડિયા પર 40 હજાર જેટલા લોકોએ રોજેરોજ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું.
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો મહાકુંભ નિર્વિઘ્ને સુખરૂપ સંપન્ન થતાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સેવા સંઘોના પ્રતિનિધિઓ અને સુંદર કામગીરી કરનારનો સન્માન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે, સમગ્ર મેળા દરમિયાન પચાસ લાખ લોકો એક નાનકડા અંબાજી જેવા સ્થળે એકઠા થતાં હોય ત્યારે એનું આયોજન, વ્યવસ્થા કોઈ એક વ્યક્તિ કે સંસ્થા કે તંત્ર માટે શક્ય નથી. એમાં સરકાર, યાત્રાધામ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્રની સાથે સેવા કેમ્પો અને એજન્સીઓએ જે સહકાર અને સેવા કરી એના થકી આ આયોજન શક્ય બન્યું છે. અને મેળો નિર્વિઘ્ને સુખરૂપ સંપ થયો છે.
કલેકટરએ સરકારના વિવિધ વિભાગોની કામગીરીને બિરદાવતાં સૌથી પહેલા મેળા દરમિયાન 6500 કરતાં વધારે પોલીસ કર્મીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સુંદર કામગીરી બદલ પોલીસતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટરએ કહ્યું કે, મેં વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ અને પૂછ્યું કે મેળામાં શુ સારું લાગ્યું તો બધાએ એક જ વાત કરી કે આ વખતે સ્વચ્છતા જોરદાર હતી. મેળાની સ્વચ્છતાએ મેળાની પવિત્રતાને ચાર ચાંદ લગાડ્યા છે એમ જણાવી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને એમની ટીમને સ્વચ્છતાની અદ્વિતીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.
સામાન્ય લોકોને મેળામાં વિના વિઘ્ને એસ. ટી. બસમાં અંબાજીની મુસાફરી કરાવી શકાય એ માટે એસ.ટી. વિભાગે 10 હંગામી ડેપો ઉભા કર્યા અને 16,000 કરતાં વધુ ટ્રીપો મારી 9 લાખથી વધુ યાત્રિકોને સહી સલામત પોતાના ઘેર પહોંચાડી સુંદર વ્યવસ્થા કરી છે એમ જણાવી એસ.ટી. વિભાગને અભિનંદન આપ્યા હતા. તેમજ સૌથી સારી વાત એ હતી કે એક સિંગલ કમ્પ્લેન મુસાફરોની એસ.ટી વિભાગ માટે આવી નથી એમ કહી તેમની કામગીરીને બિરદાવી હતી.
આ ઉપરાંત કલેક્ટરએ મેળા દરમિયાન પ્રસાદ વિતરણ, ભંડારો, એસ.પી.ઓ, હેલ્થ અને પાણી પુરવઠા, યુજીવીસીએલ, ડિઝાસ્ટર, ફૂડ એન્ડ ડ્રગ્સ સહિતના વિભાગોની મેળામાં બજાવેલી રાઉન્ડ ધ કલોક કામગીરીને બિરદાવી મેળામાં સૌના સહકારથી મેળો સંપન્ન થયો એ બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
મેળા દરમિયાન ટેકનોલોજીના વિશેષ ઉપયોગથી શ્રદ્ધાળુઓને એક નવી અનુભૂતિ મળી છે. કયું.આર. કોડ, ચેટ બોટ, વર્ચ્યુઅલ રિયાલિટી, પ્રસાદ વેન્ડીગ મશીનની સુવિધા, અને આઈ.ટી. ટીમની કામગીરીને પણ બિરદાવી સમગ્ર વહીવટીતંત્રનો આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માને પણ અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટરએ મીડિયાની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, મેળાની ગરીમા સચવાય એ રીતે મીડિયાએ સમગ્ર મેળાનું કવરેજ કર્યું છે. મેળાની સારી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અને સરકારી વિભાગ તેમજ સેવા કેમ્પોની સુવિધાઓને વૈશ્વીક કવરેજ આપી આ મેળાનું વિશ્વદર્શન કરાવ્યું તે બદલ સ્થાનિક, તાલુકા અને રાજ્યભરમાંથી સતત કવરેજ કરવા ઉપસ્થિત રહેલ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ માં જગદંબાના આ સેવા યજ્ઞમાં અંબાજી રૂટ પરના ગામના તલાટી સરપંચે બજાવેલી સેવાને પણ સન્માની માં અંબાના અવસરમાં પોતાની રીતે સેવાની આહુતિ આપનાર તમામની સેવાનિષ્ઠાને બિરદાવી હતી.