બિહારમાં ત્રણ તબક્કામાં થયેલ વિધાનસભા ચુંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. આજે રાજ્યની તમામ 243 વિધાનસભામાં થયેલ વોટિંગની ગણતરી કરવામાં આવી રહી છે. તમામ તબક્કામાં થયેલ મતદાનને લઈને મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. જેમાં આગામી પાંચ વર્ષ માટે બિહારની સત્તા કોની પાસે હશે તે નક્કી થઈ જશે. છેલ્લા આંકડા મળ્યા ત્યાં સુધી 223 સીટો પર આવેલા આંકડામાં આરજેડી 61 બેઠક પર, ભાજપ 63 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે જેડીયુ 48, કોંગ્રેસ 19 બેઠકો પર અને એલજેપી 4 બેઠક પર આગળ ચાલી રહી છે.
આ આંકડાઓ જોતા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનું મહાગઠબંધન આ વખતે એનડીએને ભારે પડે તેમ લાગી રહ્યું છે. જ્યારે બેઠકોની વાત કરવામાં આવે તો દિનારા વિધાનસભા સીટથી એલજેપીના રાજેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે. તો નીતિશના મંત્રી જયકુમારસિંહ પાછળ ચાલી રહ્યા છે.
જ્યારે મધેપુરા જન અધિકારી પાર્ટીના પ્રમુખ પપ્પૂ યાદવ પાછળ ચાલી રહ્યા છે. તો ગયા બેઠક પર ભાજપના પ્રેમ કુમાર આગળ ચાલી રહ્યા છે. તો નીતિશ કુમારના ઘણા મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. જેમાં જમાલપુર બેઠકથી શૈલેષ કુમાર, સિકટા બેઠક પર ખુર્શીદ અહમદ પણ પાછળ ચાલી રહ્યા છે.