ટેલિકોમ કંપનીઓ માટે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એટલે કે એજીઆર પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કંપનીઓનો મોટી રાહત આપી છે. ટેલીકોમ કંપનીઓને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે કોર્ટે 10 વર્ષનો સમય આપ્યો છે. કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે 21 માર્ચ, 2021 સુધી તેઓ પોતાની કુલ રકમના 10 ટકાની ચુકવણી કરશે.
ન્યાયાધીશ અરુણ મિશ્રાની આગેવાનીવાળી પીઠે જણાવ્યું કે, હપ્તાની ચુકવણી દર વર્ષે સાત ફેબ્રુઆરી સુધી થઈ જવી જોઈએ. સુપ્રીમે ટેલિકોમ કંપનીઓને એ પણ જણાવ્યું કે, જો આમાં કોઈ ગડબડ કરવામાં આવશે તો વધુ વ્યાજ ચૂકવવુ પડશે અને ચુકવણી નહીં કરવાના કેસમાં કોર્ટની અવમાનનાની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.
આપને જણાવી દઈએ કે, વોડોફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆરની બાકી રકમ ચુકવવા માટે 15 વર્ષનો સમય માંગ્યો હતો. અત્યાર સુધીની 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રુપિયા ચુકવ્યા છે. જ્યરે હજી 1.69 લાખ કરોડ રુપિયા બાકી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયથી ટેલીકોમ યૂઝર્સને પણ રાહત મળશે. કારણ કે હવે ટેલીકોમ કંપનીઓ ટેરિફ હાલમાં વધારશે નહીં. મહત્વનું છે કે, ન્યાયાધીશ મિશ્રા 2 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે બુધવારના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
શું હોય છે એજીઆર?
એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એટલે કે એજીઆર સંદેશાવ્યવહાર મંત્રાલયના દૂરસંચાર વિભાગના દ્વારા ટેલીકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવનાર ઉપયોગ અને લાઇસન્સ ફી છે. જેના બે ભાગ હોય છે, સ્પેકટ્રમ ઉપયોગ ચાર્જ અને લાઇસન્સ ફી, જે ક્રમશ 3-5 ટકા અને 8 ટકા હોય છે.