પાકિસ્તાનમાં રોકડની તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. સરકારે ઈદ-ઉલ-અઝહા પહેલા પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલની કિંમતમાં 10.20 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.33 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે શુક્રવારે પીએમ ઓફિસના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે શનિવારથી લાગુ થનારા આ કાપ સાથે, પેટ્રોલની કિંમત 258.16 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે એચએસડીની કિંમત 267.89 રૂપિયા પ્રતિ લીટર થશે.
પાકિસ્તાનનું નાણા વિભાગ સામાન્ય રીતે દર 15 દિવસે ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. વિભાગે આ ઘટાડા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે નવા ભાવ આગામી પંદર દિવસ સુધી લાગુ રહેશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના આધારે છૂટક કિંમતો નક્કી કરી છે. પેટ્રોલિયમના ભાવ ઘટાડવાના પગલાથી પાકિસ્તાનના લોકોને ફાયદો થશે, જ્યાં મોંઘવારી ઝડપથી વધી છે. મે 2022માં, પાકિસ્તાન 20 ટકાથી વધુ ફુગાવાના દર સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. રોકડની અછતને જોતા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ કેટલાક સુધારા પણ કર્યા છે.
જો કે, સત્તાવાર ડેટા અનુસાર, વાર્ષિક ફુગાવાનો દર એપ્રિલમાં ધીમો પડીને 17.3 ટકા થયો હતો, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચું સ્તર છે અને મે 2023માં નોંધાયેલા 38 ટકાના રેકોર્ડથી પણ નીચે છે. જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, 31 મેના રોજ સરકારે પેટ્રોલ અને HSDના ભાવમાં અનુક્રમે 4.74 રૂપિયા પ્રતિ લિટર અને 3.86 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. વૈશ્વિક તેલના ભાવમાં ઘટાડાને કારણે છેલ્લા દોઢ મહિનામાં ત્રણ વખત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.