ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, આરોગ્ય ભારતી અને નમો ડોક્ટર્સ દ્વારા આયોજિત માતાના મઢ જતા પદયાત્રીઓ માટેનો મેડિકલ સેવા કેમ્પ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને અનેક જગ્યાએ ખુબ જ સારો વરસાદ પડતા માતાના મઢ તરફ દર્શનાર્થે જવા માટે પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે તેમને મેડિકલ સેવા મળી રહે તે માટે ડોક્ટરોએ આ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં પગે ચાલીને જતાં લોકોના પગમાં ફોલ્લા પડે છે. તેના ડ્રેસિંગ કરી આપવામાં આવે છે. તાવ દુખાવા તથા મસલ્સ જકડાઈ જવાની અનેક ફરિયાદો યાત્રીઓને રહે છે.
તેની સારવાર માટે ભુજની અદાણી સંચાલિત મેડિકલ કોલેજના છાત્રો આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને સિનિયર ડોક્ટર દેખરેખ રાખી રહ્યા છે. આ કેમ્પમાં દવા ડ્રેસિંગ વગેરે તમામ સારવાર અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. બે દિવસમાં 450 થી વધુ પદયાત્રી દર્દીઓને તપાસવામાં આવ્યા છે. બે વર્ષથી આ કેમ્પ ચાલે છે અને પદયાત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી બન્યો છે.