આજકાલ શૈક્ષણિક જગતની એક પછી એક ભૂલો અને ગફલતો સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક યુવાન સામે યુનિવર્સિટી અંગે વીડિયો બનાવાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાને વીડિયોમાં કંઈ જ આપત્તિજનક નથી કહ્યુ તેમ છતાં ભાવનગર યુનિ.નો વીડિયો વાઈરલ કરવાનુ મોંઘુ પડ્યુ છે. તેને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યો. બિનસચિવાલયનો મુદ્દો હજુ સળગતો છે ત્યારે આ રીતે શિક્ષણ સામે સવાલ ઉઠાવનારને દંડ આપવા બદલ યુનિ. માથે માછલા ધોવાઈ રહ્યા છે. ભાવનગરમાં વિદ્યાર્થીએ ભાવનગર યુનિવર્સિટીની મનઘડત કાર્યશૈલીનો વીડિયો બનાવ્યો હતો. જેને પરિણામે તે યુવકને પરીક્ષા ન બેસવા દેવામાં આવ્યો. યુવકને મહુવાની જે.પી.પારેખ કોલેજમાં પરીક્ષામાં ન બેસવા દેવાયો એટલુ જ નહીં પરંતુ છેક શિક્ષણ મંત્રી સુધી આ અંગે રજૂઆત કરાઈ હતી. સૂરજ મનુભાઈ નામના યુવકે આ વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં વિદ્યાર્થીએ યુનિવર્સીટી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જેને પરિણામે યુવકને પરીક્ષા આપવાથી વંચીત રખાયો હોવાની ચર્ચા છે. આ યુવાન ભાવનગર યુનિવર્સિટીની તાનાશાહીનો ભોગ બન્યો છે. તેણે યુનિ.ની મનઘડત કાર્યશૈલીનો વીડિયો વાઈરલ કર્યો હતો. આ યુવાને વીડિયોમાં પરીક્ષાના ટાઈમટેબલ અંગે અને યુનિ. ના અધિકારીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સેમેસ્ટર છમાં પણ યુનિ. આવી જ ગફલતો કરશે તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની ચીમકી આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયો હતો જેને પરિણામે યુનિ. યુવાન સામે પગલાના ભાગ રૂપે તેને પરીક્ષાથી વંચિત રાખ્યો છે.