ભરૂચ જિલ્લા પંચાયતના આયોજન માટેની 10 ટકા ગ્રાન્ટમાંથી 29 ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન, 9 તાલુકા માટે ડિવોટરિંગ પંપ અને એક એમ્બ્યુલન્સનું આયોજન કરાયું હતું. ગુરૂવારે 7 ઇ વેસ્ટ કલેક્શન વ્હિકલ આવી જતા 7 ગ્રામ પંચાયતોને ફાળવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નાણાપંચની વર્ષ-20-2021 ની હેઠળની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ડોર-ટુ ડોર ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતને નાણાપંચની 10 ટકા રકમ આયોજન માટે મળતી હોય છે. જે યોજના અંતર્ગત વર્ષ- 20-2021 હેઠળ સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહિ થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે. એક પંપની 1 મિનિટમાં 10 હજાર લીટર પાણી પંપિંગ કરવાની કેપેસિટી ધરાવે છે.
સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દરેક ગામમાં સ્વચ્છતા કેળવાય તે માટે 29 જેટલા ઇ વ્હિકલ ફોર ગાર્બેજ (વેસ્ટ) કલેક્શન વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે વાહનો થકી ગામમાં વેસ્ટ કલેક્શન માટે ડોર-ટૂ-ડોર સેવા શરુ કરવામાં આવશે. વાહનો 500 થી 700 કિલો વેસ્ટ એકત્રિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આજે 29 પૈકી 7 જેટલા વાહનો આવતા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે ઇલેક્ટ્રિક વાહનો અને ડી-વોટરિંગ પમ્પ તેમજ ખરોડ પીએચ.સી.ને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.