ભારત સરકાર તરફથી યુઝર્સ ડેટાની સિક્યોરિટી અને પ્રાઇવેસી પર ચિંતા વ્યક્ત કરતા ઘણી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રતિબંધ કરાયેલ એપ્લિકેશનની લિસ્ટમાં પોપ્યુલર ગેમ પબજી મોબાઈલ પણ સામેલ હતી, જેના પર ચાઈનીઝ કંપની ટેન્સેન્ટ સાથેની પાર્ટનરશીપના પગલે પ્રતિબંધ લગાવાયો હતો.ત્યારે લગભગ એક મહિના પછી પબજી મોબાઈલે ભારતમાં પરત ફરવાની પુષ્ટિ કરી છે.
પબજી કોર્પોરેશને ભારતમાં પબજી મોબાઇલની વાપસીની ઘોષણા કરી દીધી છે. એવું પણ કહ્યું છે કે, ભારતીય યુઝર્સ માટે એક સ્પેશિયલ ગેમ પણ શરૂ કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે, નવી ગેમ માટે પબજીએ કોઈપણ ચાઇનીઝ કંપનીઓ સાથે ભાગીદારી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
પબજી કોર્પોરેશનના નિવેદન મુજબ પબજી મોબાઇલ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ માટે કંપની ભારત સરકારની ડેટા પોલિસીનું સંપૂર્ણ પાલન કરશે. પબજીએ ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં 100 મિલિયન ડોલર રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગેમ માટે તેની મૂળ કંપની Krafton Inc ભારતમાં 100 મિલિયન કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ભારતમાં ગેમ્સ,ઇ-સ્પોર્ટ્સ, મનોરંજન અને આઇટી ઇન્ડસ્ટ્રીઝ માટે છે.