બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબીબો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. તાવ, માથા જેવી સામાન્ય બીમારીમાં વધુ પાવર વાળી દવા આપી તેમજ ઈન્જેક્શન લગાવી લોકોને મોટી મુસીબતમાં ધકેલી દે છે જેને લઈ જાગૃત નાગરીક તેમજ સ્થાનિક મીડિયા દ્વારા વારંવાર આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતુ નથી. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં બી.એચ.એમ.એસના દવાખાનાઓ ધમધમી રહ્યા છે અને આ બી.એચ.એમ.એસ ડોક્ટર એલોપેથીક પ્રેક્ટિસ કરીને દર્દીઓને ખંખેરી રહ્યા છે તેમજ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
અવાર નવાર રજૂઆત કરવા છતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર અજાણ હોય તેમ આજ દિન સુધી આવા બીએચએમએસ ડોક્ટરો સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ધાનેરાના ગંજ બજાર પર નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે બી.એચ.એમ.એસ ડોક્ટર ભરત ચૌધરીનું દવાખાનું આવેલું છે. ડોકટર ભરત ચૌધરી બી.એચ.એમ.એસની ડિગ્રી ધરાવે છે અને તેના સ્ટાફ દ્વારા હોસ્પિટલની બહાર બાકડા પર જ દર્દીઓને ઈન્જેક્શન તેમજ ગ્લુકોઝની બોટલો ચડાવવામાં આવે છે. તેમજ ધાનેરા-ડીસા રોડ પર પણ પિયુષ માળી નામના ડોક્ટર બીએચએમએસની ડિગ્રી ધરાવે છે. આવા ઘણા તબીબો છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાની હકિકત જણાવવામાં આવી હતી. ત્યારે હવે એ જોવુ રહેશે કે આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે.