કોરોનાના કહેર વચ્ચે હવે કાળઝાળ તાપ પણ લોકોની કસોટી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હાલમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. બનાસકાંઠામાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને આંબી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કોરોના વાયરસના કારણે જ્યાં એકબાજુ લોકડાઉન જાહેર કરાયું છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં બીજીબાજુ હવે ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં સવારથી જ જાણે આકાશમાંથી સુર્ય દેવતા પ્રકોપ રેલાવતા હોય તેવી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.
બનાસકાંઠામાં ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૮ ડિગ્રી નોધાયુ હતું. બપોરના સમયે જાણે અગ્નિવર્ષા થતી હોય તેવી ગરમી જોવા મળી હતી. બનાસકાંઠામાં પવનની ગતિ ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી. આ ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે.