બનાસકાંઠા જિલ્લામાં પાક વીમા વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને વીમા કંપનીની મીલી ભગતનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. જેના સંદર્ભે ડીસાનાં રાણપુર ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ખેડૂતોએ પાક વીમા કંપનીનુ પુતળું પણ સળગાવ્યું હતું. તેવામાં ખેડૂતોએ પોતાનો હક વીમા સ્વરૂપ આપવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરનાં ખેડૂતોમાં પાક વીમાને લઈ ભારોભાર રોષ ફેલાયેલો છે. પાક વીમાના પૈસા ભર્યા હોવા છતાં આજે પાક વીમા માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે. પાક વીમાની કંપનીઓ ફોન ઉઠાવતી નથીની બૂમો ખેડૂતો મચાવી રહ્યા છે. તો હવે ખેડૂતોને પાક વીમાથી મુક્તિ મળી શકે છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પાક વીમો મરજિયાત કરવાની રજૂઆત કરી હતી.
જેને કેન્દ્ર સરકારની સબ કમિટીએ મંજૂર કરી દીધી છે. પાક વીમાના ધાંધિયાને કારણે ખેડૂતોની પરેશાનીને જોતાં રાજ્ય સરકારે કેન્દ્રને રજૂઆત કરી હતી કે, પાક વીમાને ફરજિયાત નહીં પણ મરજિયાત કરવામાં આવે. તેમ છતાં બનાસકાંઠામાં ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે અને પાક વીમા તેમજ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.