રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. બનાસકાંઠાના વાવના ટડાવ ચોથર નેસડામાં વરસાદ વરસ્યો છે.
વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. હાલમાં વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.થરાદ પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો હતો. થરાદના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતા. ખેડૂતોના કાપણી કરેલા પાકને નુકશાન થયું છે. થરાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો જોવા મળ્યો હતો.