દાંતા-અંબાજી ફોરલેન હાઇવે પર તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન નવિન રોડ બન્યો છે. જેમાં નવિન ફોરલેન રોડનું તા. 10 જુલાઇએ લોકાર્પણ કરાયું હતું. ત્યારે સામાન્ય વરસાદમાં હાઇવે પર આવેલ ધાબાવાળી વાવ પાસે ભૂવો પડી ગયો છે. ભૂવો પડતાં રોડને એક તરફથી ડાયવર્જન આપી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર છૂપાવવા થીગડું મારી કામ પુરૂ કર્યું છે. કોન્ટ્રાક્ટરે દાંતા-અંબાજી ફોરલેનમાં રોડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ગેરરીતી આચરી હોવાની શંકાઓ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જીલ્લામાં નવા રોડ અને રસ્તાઓ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની કામગીરી કોન્ટ્રાક્ટરોને સોંપી દેતાં હોય છે. હાલમાં કોન્ટ્રાક્ટરો નવા રોડ અને રસ્તાઓ બનાવતી વખતે જે ગ્રાન્ટ સરકાર ફાળવે તે તેનાથી હલકી ગુણવત્તાવાળુ કામ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે પ્રકાશમાં આવ્યું છે.