બનાસકાંઠાના અતિપછાત અને અંતરિયાળ વિસ્તાર અમીરગઢ પંથકના ખેડૂતોએ લાભપાંચમના શુભ દિને નવા વર્ષમાં વાવણીના શ્રી ગણેશ કરતા આ વર્ષ સારુ નીવડવાની આશા સેવી છે. અમીરગઢ તાલુકો સમગ્ર ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી ખેતી પર નિર્ભર ધરતીપુત્રો દ્વારા શુભ મુહર્તમાં પોતાના ખેતરમાં બટાકાની વાવણી શરુ કરેલ છે. પોતાના હળ અને ટ્રેકટરો લઇ સવારથી જ ખેડૂતો ખેતરમાં ઉમળકાભેર પોંહચી વાવણી કરવા લાગ્યા હતા. આ વર્ષે અમીરગઢ વિસ્તારમાં બટાકા તરફ ખેડૂતો વધારે આકર્ષતા હોય તેવું લાગી રહ્યું છે.
બટાકાનું વાવેતર વધારે પ્રમાણમાં થવાના અનુમાનો સિનિયર સિટીજન ખેડૂતો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાછોતરા વરસાદે ખેતીનું કચ્ચરઘાણ કાઢી દેતા અમીરગઢ વિસ્તારમાં ભારે નુકસાન થવાંથી ધરતીપુત્રો પાયમાલ થઇ ગયા હતા. આથી નવા વર્ષની નવી વાવણી વખતે આ વર્ષ સારુ નીવડે તેવી આશા વ્યક્ત કરી ભગવાનને પ્રાથના કરી વાવણીના શ્રી ગણેશ કર્યા હતા.